“વેપારથી શાસન સુધી: અંગ્રેજોની કૂટનીતિ અને ભારતની આંતરિક કમજોરીઓનો ઈતિહાસ”

ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના કોઈ એક ઘટનાનું પરિણામ નહોતું, પરંતુ અનેક રાજકીય, આર્થિક અને સૈનિક પરિબળો સાથે સંકળાયેલી પ્રક્રિયા હતી. શરૂઆતમાં અંગ્રેજો માત્ર વેપાર માટે આવ્યા હતા, પરંતુ ભારતીય પરિસ્થિતિ, આંતરિક કમજોરીઓ અને પોતાની વ્યૂહાત્મક બુદ્ધિથી તેઓ ધીમે ધીમે શાસક બની ગયા.

ઈ.સ. ૧૬૦૦માં સ્થાપિત થયેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો મૂળ હેતુ મસાલા, કાપડ અને અન્ય મૂલ્યવાન વસ્તુઓનો વેપાર કરીને નફો કમાવવાનો હતો. શરૂઆતમાં તેઓ ભારતીય શાસકો પાસેથી પરવાનગી લઈને ફેક્ટરીઓ સ્થાપતા અને સ્થાનિક સત્તાને માન્યતા આપતા હતા પરંતુ મુઘલ સામ્રાજ્યના પતન પછી ભારત રાજકીય રીતે વિખંડિત બન્યું. નાના રાજ્યો વચ્ચે સ્પર્ધા, અવિશ્વાસ અને આંતરિક વિવાદો વધ્યા, જેના કારણે રાષ્ટ્રીય એકતાનો અભાવ રહ્યો.

ભારતના રાજાઓ વચ્ચે એકતા ન હોવાના મૂળ કારણોમાં કેન્દ્રીય સત્તાનો અભાવ, પ્રાદેશિક સ્વાર્થ, વારસાગત વિવાદો અને પરસ્પર અવિશ્વાસનો સમાવેશ થાય છે. ઘણા રાજાઓ પોતાના વિરોધીઓને હરાવવા વિદેશી શક્તિઓની મદદ લેતા, જે અંતે તેમના માટે જ ઘાતક સાબિત થઈ. આ પરિસ્થિતિઓએ અંગ્રેજોને ભારતીય રાજકારણમાં પ્રવેશવાનો મોકો આપ્યો.

કર્ણાટકના ત્રણેય યુદ્ધો (૧૭૪૬–૧૭૬૩) અંગ્રેજો (ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની) અને ફ્રેન્ચ (ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની) વચ્ચેના પ્રભાવ માટેના સંઘર્ષ હતા. આ યુદ્ધોમાં અંગ્રેજોએ હૈદરાબાદ અને કર્નાટકના સિંહાસન મુદ્દે હસ્તક્ષેપ કરીને પોતાના પક્ષના શાસકોને સત્તામાં બેસાડ્યા. આથી તેમને સમજાયું કે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ દ્વારા ભારતીય રાજકારણમાં સરળતાથી પ્રભાવ પેદા કરી શકાય છે.

ઈ.સ. ૧૭૫૭નું પ્લાસીનું યુદ્ધ અંગ્રેજોની આ વિચારધારાને વેગ આપવામાં અતિ મહત્ત્વપૂર્ણ સાબિત થયું. તે સમયના અંગ્રેજ ગર્વર્નર રોબર્ટ ક્લાઇવે મીર જાફરને નવાબ બનાવાની લાલચ આપી અને અન્ય લાભોની ખાતરી આપી. જગત સેઠ જેવા ધનિકો અને અમીચંદ જેવા મધ્યસ્થીઓને પણ આર્થિક લાલચ આપીને સિરાજઉદ્દૌલાની સેનામાં આંતરિક ભંગાણ ઊભું કરાયું. પરિણામે મીર જાફરે પોતાના જ રાજા સિરાજ ઉદ્દ દૌલાને દગો આપ્યો અને અંગ્રેજોને પ્લાસીના યુદ્ધમાં સરળ વિજય મળ્યો. આ જીતથી અંગ્રેજો સમજી ગયા હતા કે ભ્રષ્ટાચાર અને કાવતરું સૈન્યશક્તિ જેટલું જ અસરકારક છે. આ પછી અંગ્રેજોએ મીર જાફરને નવાબ બનાવ્યો, પરંતુ હકીકતમાં સત્તા પોતાના હાથમાં રાખી. જ્યારે તે તેમની માંગણીઓ પૂર્ણ ન કરી શક્યો, ત્યારે મીર કાસિમને લાવીને ફરીથી સત્તા પરિવર્તન થયું. આ રીતે કિંગ મેકરની ભૂમિકા માં રહીને અંગ્રેજોએ પોતાના સ્વાર્થનો માર્ગ મોકળો કર્યો. 

ઈ.સ. ૧૭૬૪નું બક્સરનું યુદ્ધ અને ત્યારબાદ ઈ.સ. ૧૭૬૫ની અલ્હાબાદ સંધિએ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દિવાની આપી. દીવાની સતાથી સીધી આવક અને વાસ્તવિક સત્તા અંગ્રેજોના હાથમાં હતી છતાં પણ લોકોની નજરમાં શાસક તો નવાબ જ રહ્યા. આ દ્વિપક્ષી શાસન હેઠળ પ્રજાની સમસ્યાઓનો સામનો નવાબોને કરવો પડતો, લોકોની સમસ્યાનું સમાધાન કરવાની જવાબદારી નવાબની હતી, લોકોની નારાજગી અને પીડા માટે જવાબદાર નવાબ હતા જ્યારે અંગ્રેજો નાણાકીય બાબતો ઉપર તેમનું પ્રભુત્વ રાખી અને નવાબો અને તેમના મંત્રીમંડળની નિમણૂકમાં પાછલા બારણે મજબૂત પકડ રાખી  પરોક્ષ રીતે ફાયદો લેતા રહ્યા આ તેમની કૂટનીતિનું ઉત્તમ ઉદાહરણ છે.

તે સમયના રાજાઓ અંગ્રેજોના તાબે થયા તેની પાછળ રાજકીય વિખંડન, ભ્રષ્ટાચાર, રજવાડાઓની સૈન્ય નબળાઈ અને આર્થિક નિર્ભરતા મુખ્ય કારણો હતા. અંગ્રેજોની આધુનિક સેનાશક્તિ અને વ્યૂહરચના સામે ભારતીય શાસકો ટક્કર આપી શકયા નહીં સાથે જ પૈસા (લાંચ) અને સત્તાની લાલચને કારણે આંતરિક દગાખોરીનું પ્રમાણ વધ્યું જેનું દબાણ સીધું રાજ્ય વ્યવસ્થા ઉપર આવતા રાજાઓ નબળા પડતા ગયા. 

પ્લાસી, બક્સર, કર્ણાટક જેવા યુદ્ધો માં મળેલી સફળતા પછી અંગ્રેજોની વિચારધારામાં પણ પરિવર્તન આવ્યું. શરૂઆતમાં વેપાર માટે આવેલા અંગ્રેજોએ સમજ્યું કે શાસન દ્વારા વધુ નફો અને નિયંત્રણ મેળવી શકાય છે. યુરોપમાં ચાલી રહેલી વસાહતવાદી ચળવળ (અંગ્રેજો માત્ર ભારતમાં જ નહીં વિશ્વના ઘણા વિસ્તારોમાં આ રીતે પ્રભુત્વ મેળવવા માટે કામ કરી રહ્યા હતા) અને ભારતમાં મળેલી સરળ જીતોએ તેમને વેપાર ની સાથે સાથે શાસન કરવાની દિશામાં પ્રોત્સાહિત કર્યા.

આ સમગ્ર ઇતિહાસ વર્તમાન સમયમાં મહત્વપૂર્ણ પાઠ આપે છે. કોઈપણ દેશની મજબૂતી માટે રાષ્ટ્રીય એકતા અને મજબૂત સંસ્થાઓ અત્યંત આવશ્યક છે કારણ કે આંતરિક વિખંડન બહારની શક્તિઓને આમંત્રણ આપે છે. ભ્રષ્ટાચાર અને સ્વાર્થ દેશને અંદરથી ખોખલો બનાવે છે, તેથી પારદર્શિતા અને નૈતિકતા જરૂરી છે. આર્થિક સ્વાવલંબન વગર રાજકીય સ્વતંત્રતા અધૂરી રહે છે અને સજાગ નાગરિકતા લોકશાહીનો સૌથી મોટો આધાર છે.

ખાલી હાથે નફો મેળવવા આવેલા અંગ્રેજોએ અંગ્રેજોએ સૈન્ય શક્તિ, વ્યૂહાત્મક કાવતરા, લાલચ અને ભ્રષ્ટાચાર જેવી સોફ્ટ કોર્નર નીતિઓ અને આર્થિક નિયંત્રણ દ્વારા ભારત પર શાસન સ્થાપિત કર્યું, પરંતુ તેની પાછળનું મૂળ કારણ ભારતની આંતરિક કમજોરી હતી. 

✍️ ઉત્તમ ત્રાસડીયા ૧૮.૦૩.૨૦૨૬