સદીઓ પૂર્વેની જનજાતિથી આધુનિક લોકશાહી સુધીની ભારતના રાજકીય વિકાસની અવિરત યાત્રા

ભારતનો રાજકીય ઇતિહાસ માનવ સમાજની જરૂરિયાતો, સંઘર્ષો અને પરિસ્થિતિઓથી ઘડાયેલો એક ગતિશીલ પ્રવાહ છે. શરૂઆતમાં માનવ સમાજ “જન” અથવા “જનજાતિ” તરીકે જીવતો હતો, જ્યાં કોઈ નિશ્ચિત સીમા કે રાજ્ય વ્યવસ્થા નહોતી. ઋગ્વેદના સમયમાં “રાજન” માત્ર એક નેતા હતો, સર્વશક્તિમાન રાજા નહીં. સભા અને સમિતિ જેવા તંત્રો દ્વારા નિર્ણય લેવાતા, જે પ્રારંભિક લોકશાહી તત્વોને દર્શાવે છે જેમાં સત્તાનો સ્ત્રોત સમાજ પોતે હતો.

જ્યારે સમય આગળ વધ્યો અને ખેતીનો વિકાસ થયો, ત્યારે લોકો એક જગ્યાએ સ્થિર થયા. જમીન પર અધિકારની ભાવના ઊભી થઈ અને “જન” ધીમે ધીમે “જનપદ”માં પરિવર્તિત થયો (ઈ.સ. પૂર્વે ૬ થી ૧૦ મી સદી). આ પરિવર્તન માત્ર આર્થિક નહોતું, પરંતુ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ હતું. આ સમયમાં સીમાઓ નક્કી થઈ, સુરક્ષા જરૂરી બની અને કર વ્યવસ્થા શરૂ થઈ, રાજાની ભૂમિકા મજબૂત થવા લાગી અને સત્તા ધીમે ધીમે કેન્દ્રિત થવા લાગી.

ઈ.સ. પૂર્વે ૬૦૦ પછી મહાજનપદ યુગમાં આ વિકાસ વધુ સ્પષ્ટ બન્યો. મગધ (બિંબિસાર, અજાતશત્રુ), કોશલ, કાશી જેવા શક્તિશાળી રાજ્યો ઊભા થયા, જ્યારે વજ્જી અને લિચ્છવી જેવા ગણરાજ્યોમાં સમૂહ આધારિત શાસન ચાલુ રહ્યું. અહીં રાજાશાહી અને ગણરાજ્ય બંને સાથે અસ્તિત્વમાં હતા. ગણરાજ્યોમાં નેતાઓની પસંદગી સહમતિ કે મત દ્વારા થતી, જ્યારે રાજાશાહી રાજ્યોમાં વંશપરંપરા મજબૂત બનતી ગઈ. આ તબક્કે સમાજે અલગ-અલગ શાસન વ્યવસ્થાનો અનુભવ કર્યો.

ઈ.સ. પૂર્વે ૩૨૧ માં  ચંદ્રગુપ્ત મૌર્ય અને તેના માર્ગદર્શક કૌટિલ્યે પ્રથમ વખત વિશાળ ભારતીય ભૂમિને એક કેન્દ્રિય સત્તા હેઠળ એકત્રિત કરી. સમ્રાટ અશોકના સમયમાં આ સામ્રાજ્ય નૈતિક અને ધાર્મિક મૂલ્યો સાથે વધુ સુવ્યવસ્થિત બન્યું. કેન્દ્રિય બ્યુરોક્રસી, કર વ્યવસ્થા અને જાસૂસી તંત્ર દ્વારા રાજ્ય મજબૂત બનાવાયું. અહીં “રાજ્ય”થી “સામ્રાજ્ય” તરફનું સ્પષ્ટ પરિવર્તન થયું જ્યાંથી રાજા “ચક્રવર્તી” તરીકે ઓળખાયો.

ઈ.સ. પૂર્વે ૨૦૦ થી ઈ.સ. ૬૦૦ ના સમયગાળામાં મૌર્ય સામ્રાજ્યના પતન પછી ફરીથી વિખંડન શરૂ થયું અને શુંગ, કાન્વ, કુષાણ (કનિષ્ક), સાતવાહન જેવા પ્રદેશીય રાજ્યો ઊભા થયા. ગુપ્ત યુગ (ચંદ્રગુપ્ત બીજો અને સમુદ્રગુપ્ત) દરમિયાન સંસ્કૃતિ અને વિજ્ઞાનનો વિકાસ થયો, પરંતુ કેન્દ્રિય સત્તા મર્યાદિત રહી. ગુપ્ત યુગ પછી ભારત ફરી નાના રાજ્યોમાં વિભાજિત થયું જે દર્શાવે છે કે કેન્દ્રિય અને વિકેન્દ્રિત સત્તા વચ્ચેનું સંતુલન સતત બદલાતું રહ્યું. 

૭ થી ૧૨ મી સદી દરમિયાન ઉત્તરમાં રાજપૂત રાજ્યો (ચૌહાણ, સિસોદિયા) અને દક્ષિણમાં ચોળ, પાંડ્ય અને ચાલુક્ય વંશો મજબૂત બન્યા. આ સમયમાં વંશપરંપરાગત રજવાડા પ્રબળ બન્યા, જ્યાં સત્તા રાજા અને જમીન સાથે જોડાયેલી હતી અને આ સમયમાં યુદ્ધ, ગૌરવ અને પ્રદેશીય સત્તા રાજકારણના મુખ્ય તત્વો બન્યા.

ઇ.સ. ૧૨૦૬ પછી દિલ્હી સલ્તનતના સમયમાં (કૂતુબુદ્દીન ઐબક, અલાઉદ્દીન ખિલજી, મુહમ્મદ તુગલક) કેન્દ્રિય શાસન મજબૂત બન્યું, પરંતુ સ્થાનિક રાજાઓ સંપૂર્ણપણે નષ્ટ થયા નહોતા. ઘણા હિંદુ રાજાઓ “વસાલ” તરીકે રહ્યા એટલે કે તેઓ સત્તા હેઠળ હતા પરંતુ તેમના વિસ્તારમાં મર્યાદિત સ્વતંત્રતા જાળવી રાખી.

મુઘલ યુગ (૧૫૨૬-૧૭૦૭)માં બાબર, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબે વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું. અકબરની મન્સબદારી પ્રથા અને ધાર્મિક સહિષ્ણુતાએ શાસનને સ્થિર બનાવ્યું. આ સમયમાં નાના રાજાઓ અને રજવાડાઓ સંપૂર્ણ ગુલામ નહોતા, પરંતુ અર્ધસ્વતંત્ર તરીકે મુઘલ સત્તા હેઠળ કાર્ય કરતા. આ એક પ્રકારનું સંકલિત શાસન હતું, જેમાં કેન્દ્ર અને પ્રદેશ વચ્ચે સંતુલન જાળવવામાં આવ્યું.

ઔરંગઝેબ પછી મુઘલ સામ્રાજ્ય નબળું પડ્યું અને અઢારમી સદીમાં મરાઠા (શિવાજી), સીખ (રણજીતસિંહ) અને મુઘલ નવાબો (બંગાળ, અવધ, હૈદરાબાદ) જેવી પ્રદેશીય શક્તિઓ ઊભી થઈ જે ભારતીય ઇતિહાસમાં ફરી વખત વિકેન્દ્રિત સત્તાનો તબક્કો હતો.

ઇ.સ. ૧૭૫૭ ના પ્લાસી યુદ્ધ પછી બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારત પર નિયંત્રણ સ્થાપિત કર્યું. લોર્ડ વેલેસ્લીની અને લોર્ડ ડેલહાઉસીની   વિલીનીકરણની નીતિઓ દ્વારા 562 રજવાડાઓને બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ જોડવામાં આવ્યા. આ સમયમાં રાજાઓ અસ્તિત્વમાં રહ્યા, પરંતુ વાસ્તવિક સત્તા અંગ્રેજો પાસે હતી. આ તબક્કામાં ભારતીય રાજકીય વ્યવસ્થા વિદેશી શક્તિના નિયંત્રણ હેઠળ આવી ગઈ.

અંતે ૧૯૪૭ માં  ભારતને સ્વાતંત્ર્ય મળ્યું અને સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રજવાડાઓનું એકીકરણ થયું. ૧૯૫૦ માં  બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક સર્વભૌમ લોકશાહી ગણરાજ્ય બન્યું. અહીં દરેક નાગરિકને મતાધિકાર મળ્યો અને સત્તા વધુ વ્યાપક અને સુવ્યવસ્થિત સ્વરૂપમાં ફરીથી લોકોના હાથમાં આવી. 

આ સમગ્ર યાત્રા દર્શાવે છે કે ભારતની રાજકીય વ્યવસ્થા સતત પરિવર્તનશીલ રહી છે. શરૂઆતમાં સત્તા સમાજમાંથી ઉત્પન્ન થઈ, પછી તે રાજાશાહી અને સામ્રાજ્યમાં કેન્દ્રિત થઈ, ત્યારબાદ વિખંડન અને બહારની સત્તાના નિયંત્રણમાંથી પસાર થઈ અને અંતે આધુનિક લોકશાહીમાં પરિવર્તિત થઈ. 

✍️ ઉત્તમ ત્રાસડીયા ૧૯.૦૩.૨૦૨૬