સોશિયલ મીડિયા: પ્રદૂષક કે સહાયક ???

આપણે સૌએ કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોનનું નામ અનેક વાર સાંભળ્યું છે. કાર્બન ડાયોક્સાઇડને આપણે પ્રદૂષક માનીએ છીએ અને ઓઝોન ને જીવન રક્ષક. ઊંડાણપૂર્વક અભ્યાસ કરો તો ખરેખર બંને પ્રદૂષક પણ છે અને જીવન માટે અનિવાર્ય પણ છે. આવું જ કઈક સોશિયલ મીડિયાનું છે; સોશિયલ મીડિયા આધુનિક યુગનું સૌથી શક્તિશાળી સાધન છે સાથે સાથે અતિ સૂક્ષ્મ રીતે માનવજીવનને ગંભીર રીતે અસર કરતું માધ્યમ એક એવું માધ્યમ છે જે ઓળખવામાં ભૂલ કરી બેસીશું તો આવનારી પેઢી માટે સોશિયલ મીડિયા શ્રાપ બની જશે. જે ટેકનોલોજીને આપણે મનોરંજન, જોડાણ, સંવાદ અને ટાઈમપાસ માટે વાપરીએ છીએ એ ધીમે ધીમે આપણા સમય, વિચાર, સંબંધો અને અર્થતંત્રને ખૂબ ગંભીર અસર કરી રહી છે. પ્રશ્ન માત્ર એટલો નથી કે આપણે સોશિયલ મીડિયા વાપરીએ છીએ કે નહીં; મૂળ પ્રશ્ન એ છે કે તેનો પ્રભાવ આપણાં જીવન પર કેટલો ઊંડો અને કેટલો અદૃશ્ય છે.

સૌથી પહેલા આપણી સોશિયલ મીડિયા પ્રત્યેની ટાઈમપાસની માનસિકતા પર વિચાર કરવો જરૂરી છે. માણસ જ્યારે પોતાના કિંમતી સમયને માત્ર પસાર કરવા માટે આવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવા લાગે છે ત્યારે એ વિકાસથી દૂર જતો રહે છે. સોશિયલ મીડિયાએ ટાઈમપાસને એટલો સરળ બનાવી દીધો છે કે એક સ્ક્રોલથી બીજા સ્ક્રોલ સુધી, એક વિડિયો થી બીજા વિડિયો સુધી ધીમે ધીમે માણસ કેટલો સમય વેડફી રહ્યો છે એની કોઈ ગંભીરતા રહી નથી. દિવસના કામના કલાકો વેડફાઈ જાય છે પરંતુ કોઈ સ્પષ્ટ પરિણામ કે પ્રગતિ હાથમાં આવતી નથી. આ એક અદૃશ્ય નુકસાન છે જે દેખાય એ પહેલા જ માણસની શક્તિઓ પૂર્ણ થઈ જાય છે. 

આ સાથે માણસની મનોવૃત્તિ ઉપર થતી નકારાત્મક અસર વધુ ગંભીર છે. સોશિયલ મીડિયા પર નકારાત્મક સમાચાર, વિવાદાસ્પદ ચર્ચાઓ, અફવાઓ અને ઉતેજક સામગ્રી વધુ ઝડપથી ફેલાય છે કારણ કે તે સ્વાભાવિક રીતે માનવ સ્વભાવને આકર્ષિત કરે તેવા સ્વરૂપની હોય છે. સતત આવી વસ્તુઓ જોવાથી માણસના મનમાં ચિંતા, ભય અને અસંતોષ વધે છે અને ધીમે ધીમે દૃષ્ટિકોણ નકારાત્મક બનતો જાય છે જેના કારણે વ્યક્તિ વિશ્વને પણ એ જ દૃષ્ટિથી જોવાની શરૂ કરે છે. અન્ય લોકોના “સજાવટેલા જીવન” સાથે પોતાની તુલના કરતાં આત્મવિશ્વાસમાં ઘટાડો થાય છે. આ એક શાંત માનસિક દબાણ છે જે બહારથી દેખાતું નથી પરંતુ અંદરથી માણસને નબળો બનાવે છે.

સોશિયલ મીડિયાના અનિયંત્રિત ઉપયોગથી થતું આર્થિક નુકશાન સમજવાની ક્ષમતા હજુ માણસ વિકસાવી શક્યો નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો મોટો ભાગ વિદેશી કંપનીઓના નિયંત્રણમાં છે. આપણે એમ માનીએ છીએ કે આપણે મફતમાં તેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ વાસ્તવમાં આપણી દરેક પોસ્ટ, સ્ક્રોલિંગ, લાઈક, શેર આ બધું જ આર્થિક મૂલ્ય ધરાવે છે. આપણે એ ભૂલી ગયા છીએ કે આપણી મજાએ વિદેશીઓ માટે આર્થિક શક્તિ બની રહી છે. આપણી માહિતી અને પસંદગીઓ એકત્રિત થાય છે અને તેના આધારે જાહેરાતો વેચાય છે. આ રીતે દેશનો ડેટા અને પૈસા બંને બહાર જાય છે. આ એક નવા પ્રકારની આર્થિક ગુલામી છે જે આપણે સ્વેચ્છાએ ઊભી કરી રહ્યા છીએ.

બૌદ્ધિક સ્તરે તેની અસર અતિ સૂક્ષ્મ છે જે  લાંબા ગાળે ઘાતક છે. સોશિયલ મીડિયા ઝડપ આપે છે પરંતુ તર્ક અને સમજણ શક્તિ ઘટાડે છે. માણસ હવે લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. હેડલાઈન વાંચીને મત બનાવવો, અર્ધસત્ય પરથી દૃષ્ટિકોણ રચવો અને તરત પ્રતિક્રિયા આપવી આ એક નવી માનસિકતા બની રહી છે. આ માનસિકતાને લીધે પુસ્તકો પ્રત્યેનો રસ ઘટે છે કારણ કે પુસ્તક ધીરજ અને ધ્યાન માંગે છે. પરિણામે વિચારશક્તિ સંકુચિત થાય છે, વિશ્લેષણ કરવાની ક્ષમતા ઘટે છે અને સમાજમાં ઊંડાણપૂર્વક વિચારતા લોકોની સંખ્યા ઘટે છે જે રાષ્ટ્રની બૌદ્ધિક સંપદાને ગંભીર નુકશાન પહોંચાડી રહી છે.

સામાજિક સ્તરે સોશિયલ મીડિયા મા વિસંગતિપૂર્ણ વ્યવહારને જન્મ આપ્યો છે. સોશિયલ મીડિયા જોડાણ વધારવાનું કામ કરે છે પરંતુ વાસ્તવિક સંબંધોને નબળા બનાવે છે. લોકો જાહેરમાં લાગણીઓ વ્યક્ત કરે છે, પરંતુ વ્યક્તિગત રીતે એક બીજાથી દૂર થઈ રહ્યા છે. “ઓનલાઈન પ્રેઝન્સ” વધે છે પરંતુ “રીયલ પ્રેઝન્સ” ઘટી રહી છે. અફવા અને ગેરમાહિતીથી સમાજમાં વિભાજન અને તણાવ વધે છે. લોકો પોતાના વિચારો સાથે મેળ ખાતા સમૂહમાં રહેવાનું પસંદ કરે છે જેના કારણે વિવિધ દૃષ્ટિકોણ માટે સહનશીલતા ઘટી રહી છે. આની સીધી અસર સમાજ જીવનના ઐતિહાસિક મૂલ્યો ઉપર થઈ રહી છે. 

વ્યક્તિગત સ્તરે સોશિયલ મીડિયાનું નુકસાન માત્ર ટાઇમપાસ પૂરતું સીમિત નથી. સમયનો બગાડ તો છે જ પરંતુ સાથે સાથે માણસ ડિજિટલ નશાનો શિકાર બની રહ્યો છે. પોસ્ટ કે સ્ટેટ્સ અપલોડ કર્યા પછી સતત લાઈક, કોમેન્ટ અને  અન્યના પ્રતિભાવોની ઝંખના વધવાને લીધે માણસ પોતાનું પ્રબળ વ્યક્તિત્વ ગુમાવી રહ્યો છે. પ્રાઈવસીનો ભંગ પણ ગંભીર સમસ્યા છે. લોકો પોતાની વ્યક્તિગત માહિતી અજાણતા જ જાહેર કરે છે જેનો દૂર ઉપયોગ અંતે વ્યક્તિગત નુકશાન પહોંચાડે છે. 

ઉપરોક્ત અસરોથી એક અગત્યનો પ્રશ્ન ઉભો થાય છે કે સોશિયલ મીડિયા પર શું ન કરવું જોઈએ? દરેક વસ્તુ શેર કરવી જરૂરી નથી. વ્યક્તિગત જીવનની અતિશય વિગતો, પરિવારની ખાનગી માહિતી, લોકેશન અથવા આર્થિક સ્થિતિ જાહેર કરવી જોખમી છે કારણ કે તે પ્રાઈવસી અને સુરક્ષા બંને માટે ખતરનાક બની શકે છે. અપ્રમાણિત માહિતી, અફવા અથવા અર્ધસત્યને ફોરવર્ડ કરવાથી સમાજમાં ગેરસમજ અને વિવાદ ઊભા થાય છે. માત્ર દેખાવ માટે લાગણીઓ વ્યક્ત કરવી અથવા અન્ય લોકોના જીવન સાથે પોતાની તુલના કરવી આ બધું માનસિક રીતે નુકસાનકારક છે. આવા વર્તનથી વિશ્વાસ ઘટે છે, સંબંધો ઉપર અસર પડે છે અને પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા ધીમે ધીમે નબળી પડે છે પરંતુ આનો અર્થ એ નથી કે સોશિયલ મીડિયા માત્ર નકારાત્મક છે. યોગ્ય રીતે વાપરવામાં આવે તો એ અત્યંત શક્તિશાળી અને સકારાત્મક સાધન બની શકે છે. પ્રમાણિત અને જ્ઞાનવર્ધક માહિતી, વિશ્લેષણ અને પુસ્તકોમાંથી મેળવેલી સમજ શેર કરવી જોઈએ જેનાથી  સમાજમાં જાગૃતિ આવે છે. પોતાના અનુભવ અને શીખેલા પાઠ વહેંચવાથી બીજા લોકો પ્રેરિત થાય છે. વ્યાવસાયિક વિકાસ માટે નેટવર્કિંગ અને પોતાના કાર્યનું પ્રદર્શન અને નવી તકની શોધ આ બધું સોશિયલ મીડિયા દ્વારા સરળ બને છે. સામાજિક મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવી અને સકારાત્મક અભિયાન ચલાવવું જોઈએ જે ખરેખર ટેક્નોલોજીનો સદ ઉપયોગ છે. 

કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોન ની જેમ સોશિયલ મીડિયા માત્ર પ્રદૂષક નથી, એકવીસમી સદીના આધુનિક જીવનમાં આ ટેકનોલોજી અતિ જીવન ઉપયોગી પણ છે.  પરંતુ  એ વાત ભૂલવી ન જોઈએ કે સાધન જ્યારે માણસને નિયંત્રિત કરવા લાગે ત્યારે તે સાધન રહેતું નથી પણ ગુલામી બની જાય છે. પોતાનો સમય આવી ટેકનોલોજી ઉપર ખર્ચ કરતા પહેલા એ મનોમંથન કરવું જોઈએ કે તમે ટેક્નોલોજી વાપરો છો કે ટેકનોલોજી તમને વાપરે છે ? લાંબા ગાળાનું એક નગ્ન સત્ય છે કે  જ્યારે તમારી મજા કોઈ બીજા માટે કમાણીનો સ્ત્રોત બને, જ્યાં તમારો સમય વેડફાય અને આત્મવિશ્વાસ અને ક્રિએટિવિટીનું પતન થાય, જ્યાં તમારા વિચારો ઉપર અદૃશ્ય શક્તિનો નકારાત્મક પ્રભાવ પડે ત્યાં આનંદ રહેતો નથી પણ સુવ્યવસ્થિત રીતે વ્યક્તિગત, આર્થિક, માનસિક અને સામાજિક ગુલામીની શરૂઆત થાય છે. 

✍️ ઉત્તમ ત્રાસડીયા ૨૦.૦૩.૨૦૨૬