છેલ્લા પંદર વર્ષમાં ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમે અદભૂત વૃદ્ધિ સાથે ગંભીર સમસ્યાઓનો સામનો કર્યો છે. ડિજિટલ ક્રાંતિ, સ્માર્ટફોનના વ્યાપ અને સસ્તા ઇન્ટરનેટના કારણે નવા વિચારોને લોકો સુધી પહોંચવામાં ઘણો વેગ મળ્યો. અનેક સ્ટાર્ટઅપ્સે થોડા જ સમયમાં ભારે હાઈપ મેળવી પરંતુ તેમાંથી ઘણાં ટકાઉ મૂલ્ય ન આપી શકતા ઝડપથી પતન પામ્યા. આ સમગ્ર યાત્રા માત્ર સફળતા અને નિષ્ફળતાની વાર્તા નથી, પરંતુ વ્યવસાયિક સમજણ, ગ્રાહક માનસશાસ્ત્ર અને અર્થતંત્રના મૂળભૂત સિદ્ધાંતોનું પ્રતિબિંબ છે.
2010 થી 2014નો સમયગાળો ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે શરૂઆતનો હતો. Flipkart, Snapdeal, ShopClues અને Hike Messenger જેવા પ્લેટફોર્મ્સે બજારમાં નવા યુગની શરૂઆત કરી. લોકો માટે ઑનલાઇન ખરીદી, ડિજિટલ કોમ્યુનિકેશન અને એપ આધારિત સેવાઓ નવી હતી તેથી તેઓએ ઉત્સાહપૂર્વક સ્વીકારી પરંતુ આ તબક્કામાં જ ડિસ્કાઉન્ટ આધારિત વૃદ્ધિ અને કોઈ પણ ભોગે ગ્રાહકોને આકર્ષવા જેવી માનસિકતા વિકસવા લાગી જે આગળ જઈને અનેક સ્ટાર્ટઅપ્સ માટે જોખમરૂપ સાબિત થઈ.
2014થી 2017 દરમિયાન સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરનારાઓની સંખ્યામાં અચાનક વૃદ્ધિ થયેલી અને “સ્ટાર્ટઅપનો સુવર્ણ યુગ” શરૂ થયો. Housing.com, TinyOwl, Stayzilla અને AskMe જેવા સ્ટાર્ટઅપ્સે આક્રમક માર્કેટિંગ દ્વારા પોતાની ઓળખ બનાવી પરંતુ થોડા જ સમયમાં સ્પષ્ટ થયું કે માત્ર ફંડિંગથી વ્યવસાય ટકી શકતો નથી. સફળ નેતૃત્વના અભાવ, ઓપરેશનલ ખામીઓ અને ગ્રાહકોમાં વિશ્વાસના અભાવ જેવા પરિબળોએ આ કંપનીઓને તોડી નાખી.
2017થી 2020 દરમિયાન સ્પર્ધા વધુ તીવ્ર બની. Amazon, WhatsApp અને Instagram જેવા ગ્લોબલ પ્લેટફોર્મ્સે ભારતીય બજારમાં મજબૂત પકડ બનાવી. Hike Messenger જેવી સ્થાનિક એપ્સ આ નેટવર્ક ઇફેક્ટ સામે ટકી શકી નહીં. ShopClues અને Doodhwala જેવી કંપનીઓ ગુણવત્તા અને નફાકારકતાને લીધે ઊભી થયેલી સમસ્યાઓ સામે લાંબુ ઝઝૂમી શકી નહીં. આ સમયગાળાએ સાબિત કર્યું કે ગ્રાહક લાંબા ગાળે માત્ર સસ્તી નહીં પરંતુ વિશ્વસનીય અને ગુણવત્તાવાળી સેવા પસંદ કરે છે.
2020થી 2022 દરમિયાન COVID-19ના કારણે ડિજિટલ સેવાઓમાં અચાનક ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો. શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રમાં ઑનલાઇન પ્લેટફોર્મ્સે ભારે વૃદ્ધિ નોંધાવી. Byju’s અને Unacademy જેવા એડટેક પ્લેટફોર્મ્સ અને ટેલિમેડિસિન સેવાઓ ખૂબ લોકપ્રિય બની. TikTok બેન પછી Arratai, Mitron અને Chingari જેવી ભારતીય એપ્સને દેશી વિકલ્પ તરીકે ભારતીય બજારમાં ખૂબ મોટો પ્રતિસાદ મળ્યો પરંતુ આ વૃદ્ધિ પરિસ્થિતિજન્ય હતી. જેમ જેમ પરિસ્થિતિ સામાન્ય થઈ તેમ તેમ આ સ્ટાર્ટઅપ્સની મર્યાદાઓ બહાર આવી. ટેક્નોલોજી, કન્ટેન્ટ અને વિશ્વાસના અભાવને કારણે આ બધી કંપનીઓ માટે પણ અનેક મુશ્કેલીઓ ઊભી થઈ.
2022 પછીનો સમયગાળો “સુધાર અને જવાબદારી”નો છે. Byju’s જેવી મોટી કંપનીઓમાં પણ વિશ્વાસ અને નાણાકીય સમસ્યાઓ ઊભી થઈ. રોકાણકારોએ હવે માત્ર આર્થિક વૃદ્ધિ નહીં પરંતુ નફાકારકતા અને ગવર્નન્સ પર ભાર મૂકવાનું શરૂ કર્યું. આ સમયગાળામાં સ્પષ્ટ થયું કે માત્ર આર્થિક વૃદ્ધિ એ એક ફુગ્ગો છે જે ક્યારે ફૂટે એનું નક્કી નહીં.
જો આ તમામ સ્ટાર્ટઅપ્સના એકંદર આર્થિક નુકસાન પર નજર કરીએ તો અંદાજે $10–15 બિલિયન (₹80,000 કરોડથી વધુ) જેટલું મૂડી નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. Byju’s જેવી એકલી કંપનીમાં જ અનેક બિલિયન ડોલરનું મૂલ્ય ઘટ્યું, જ્યારે TinyOwl, Stayzilla, AskMe, Doodhwala જેવી કંપનીઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ. આ નુકસાન માત્ર નાણાકીય નથી, પરંતુ તેમાં રોજગાર, વિશ્વાસ અને બજારની સ્થિરતા પણ સામેલ છે.
ઉપરોક્ત ઇતિહાસ દર્શાવે છે કે મેડિકલ, શિક્ષણ, ટેક્નોલોજી કે એન્જિનિયરિંગ જેવા કોઈ પણ ક્ષેત્રમાં રાષ્ટ્રવાદ, ગ્રાહક પ્રતિસાદ અને બહોળો આવકાર માત્ર સારી શરૂઆત આપી શકે પરંતુ ટકાઉ સફળતા માટે મૂલ્ય, ગુણવત્તા અને વિશ્વાસ જરૂરી છે. મેડિકલ ક્ષેત્રમાં વિશ્વસનીયતા, શિક્ષણમાં પરિણામ, ટેક્નોલોજીમાં લોકો સંતોષ અને એન્જિનિયરિંગમાં મજબૂત સંશોધન આ બધું અનિવાર્ય છે.
ભવિષ્યના ઉદ્યોગ સાહસિકોએ ધ્યાન રાખવું પડશે કે સૌથી પહેલા નાના પણ વફાદાર ગ્રાહક બનાવવા જોઈએ, લોકોના વિશ્વાસને જીત્યા વગર કોઈ પણ ભોગે ઉદ્યોગના વિસ્તરણની નીતિ અપનાવવી જોઈએ નહીં. ગ્રાહકોને ભ્રમિત કરીને લાંબા ગાળાની સફળતા મેળવી શકાતી નથી, માર્કેટિંગ એવું હોવું જોઈએ કે જે ગ્રાહકોને પ્રોડક્ટ પ્રત્યે આકર્ષણ નહીં પરંતુ લાગણી જન્માવે. એકવીસમી સદીના આધુનિક યુગમાં ટેકનોલોજી ખૂબ પરિવર્તનશીલ છે આ વાત સમજીને સમયાંતરે અપગ્રેડેશન કરતું રહેવું અતિ અનિવાર્ય છે. કોઈ પણ માણસની ઉંમર વધે એ જૈવિક વૃદ્ધિ છે પરંતુ સમજણ અને મૂલ્ય વધે એ માણસનો વિકાસ છે – એટલે જ વ્યક્તિત્વ ને વિકાસ સાથે જોડવામાં આવે છે, વૃદ્ધિ સાથે નહીં; આવું જ કઈક ઔદ્યોગિક પ્રગતિનું છે. ધંધાની ઝડપી વૃદ્ધિ અને સ્થિર વિકાસ વચ્ચેની પાતળી ભેદરેખા સમજીને કોઈપણ વ્યવસાયને માત્ર આર્થિક સક્ષમ બનાવવાની માનસિકતા પાછળ દોડવા કરતા મૂલ્યવાન, વિશ્વસનીય અને ગુણવતાસભર બનાવવા માટે કાર્ય કરવું જોઈએ.
વર્તમાન સમયમાં ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઘણી પરિપક્વ બની રહી છે. આવનારો સમય માત્ર નવી વિચારધારાઓના આવિષ્કારનો નથી તેને વિશ્વસનીય, ટકાઉ અને ગુણવત્તાસભર રીતે અમલમાં મૂકનાર વ્યક્તિ જ સફળતાને પચાવી શકશે.
એ વાત ભૂલવી ન જોઈએ કે અચાનક મળેલો ગ્રાહક પ્રતિસાદ અને આર્થિક વૃદ્ધિ એ સફળતા માટે દરવાજો ખોલે છે પરંતુ લાંબા સમય સુધી ટકી રહેવા માટે મૂલ્ય અને વિશ્વાસ અતિ મહત્વપૂર્ણ છે.
✍️ ઉત્તમ ત્રાસડીયા ૨૨.૦૩.૨૦૨૬