ઈરાન – અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવમાં પાકિસ્તાનની મધ્યસ્થી રંગ લાવશે કે કેમ ?

આશરે એક મહિનાથી ચાલુ થયેલા ઈરાન – અમેરિકા અને ઈઝરાઈલના યુદ્ધ અને તણાવે આખા વિશ્વને આર્થિક, રાજકીય, સામાજિક અને માનસિક રીતે ખૂબ નકારાત્મક અસર પહોંચાડી છે. રાંઘણ ગેસના ચૂલાથી લઈને ઉદ્યોગો, હોટલો, શાળાઓ, દવાખાનાઓ, પરિવહન સેવાઓ કે અન્ય એવી કોઈ મહત્વપૂર્ણ સુવિધાઓ આ યુદ્ધથી અસરગ્રસ્ત થયા વગર રહી નથી,
ભૌગોલિક-રાજકીય પરિપ્રેક્ષ્યમાં પણ મધ્ય પૂર્વ એશિયા ફરી એકવાર વૈશ્વિક રાજકારણનું કેન્દ્ર બન્યું છે. અલ ઝીરા, રાઉટર, બ્લૂમબર્ગ જેવી વૈશ્વિક પ્રતિષ્ઠિત ન્યૂઝ એજન્સીઓના અહેવાલ મુજબ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને ચાલી રહેલા યુદ્ધ વચ્ચે આ કપરા સંજોગોમાં પાકિસ્તાન એક અચંબિત કરનાર ભૂમિકામાં સામે આવ્યું છે; એક પણ પક્ષના સહાયક નહીં પણ બંને પક્ષના ‘શાંતિ દૂત’ તરીકે. આ ભૂમિકાથી એવું માની શકાય કે અસ્થિરતા, આતંકવાદ અને દ્વિઅર્થિય વિદેશ નીતિનો કાળો ઇતિહાસ ધરાવતા પાકિસ્તાન માટે આ પરિવર્તન માત્ર છબી સુધારવાનો પ્રયાસ નથી પરંતુ વૈશ્વિક સમીકરણોમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની કવાયત છે.

“શાંતિદૂત” તરીકે કોઈ પણ રાષ્ટ્ર માટે વિશ્વસનીય હોવું એ અતિ આવશ્યક બાબત છે. અમેરિકી નેતૃત્વ અને પાકિસ્તાની સેનાના ઉચ્ચ સ્તર વચ્ચેના સીધા સંપર્કોએ મધ્યસ્થી માટે માળખું તૈયાર કર્યું છે. અમેરિકા માટે પાકિસ્તાન એ અફઘાનિસ્તાન અને પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી એક વ્યૂહાત્મક ભૂમિકામાં રહ્યું છે અને ઈરાન માટે પાકિસ્તાન એક પડોશી મુસ્લિમ દેશ હોવાના કારણે સંવાદ માટે સ્વીકાર્ય પ્લેટફોર્મ માનવામાં આવે છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં પાકિસ્તાની જહાજોને આપવામાં આવેલી છૂટછાટ સ્પષ્ટ કરે છે કે અમેરિકાના ભાઈબંધના પડોશી સાથે પણ સારા વેવાર છે. આમ વર્તમાન પરિસ્થિતિમાં પાકિસ્તાન અમેરિકા અને ઈરાન બંને માટે વિશ્વસનીય માનવામાં આવે છે.

અમેરિકા વતી પાકિસ્તાન દ્વારા રજૂ કરાયેલી પંદર મુદ્દાની “શાંતિ યોજના” તેની રાજકીય સક્રિયતાનો મુખ્ય આધાર છે. યુદ્ધવિરામ, કેદીઓની અદલાબદલી અને આર્થિક પ્રતિબંધોમાં તબક્કાવાર રાહત જેવા મુદ્દાઓ સાથે આ યોજના માત્ર સંઘર્ષ નિવારણ પૂરતી મર્યાદિત નથી પરંતુ પ્રાદેશિક સુરક્ષા માળખું રચવાનો એક નવો તુક્કો છે. શાંતિ યોજના રજૂ કરતી વખતે તુર્કી અને ઇજિપ્ત જેવા દેશોને પોતાની સાથે રાખીને પાકિસ્તાન પોતાની મધ્યસ્થીની ભૂમિકાને એક વિશાળ ઇસ્લામિક અને પ્રાદેશિક ગઠબંધનના કેન્દ્ર તરીકે રજૂ કરી રહ્યું છે.

પાકિસ્તાનના “શાંતિ પ્રયાસ” ને સમજવો એ ભારત અને ચીન જેવા દેશ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. ઈરાન માં પોતાના ઊર્જા અને ઈન્ફ્રાસ્ટક્ચર ક્ષેત્રને સુરક્ષિત અને સ્થિર રાખવા માટે ચીન આ “શાંતિ પ્રયાસ” ને સમર્થન આપે તે સમજી શકાય તેવી બાબત છે પરંતુ પડોશીના ઘરમાં કાયમ “અશાંતિ ફેલાવતું પાકિસ્તાન” આ શાંતિ પ્રયાસથી ભારત માટે દ્વિધા ઉભી કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતો જતો પાકિસ્તાનનો પ્રભાવ ભારત માટે ભાવિ પડકાર બની શકે.

આર્થિક દૃષ્ટિએ જોવામાં આવે તો આ મધ્યસ્થી સફળ થાય તો તેનો સીધો પ્રભાવ વૈશ્વિક તેલ બજાર પર પડે જે ભારત જેવા આયાતકાર દેશો માટે મોંઘવારી નિયંત્રણમાં મદદરૂપ સાબિત થાય. તેથી આ મુદ્દો માત્ર રાજકીય નહીં પરંતુ વૈશ્વિક અર્થતંત્ર માટે પણ અત્યંત મહત્વનો છે.

ઇતિહાસ સાક્ષી છે કે પાકિસ્તાનની નીતિઓ ઘણીવાર સૈન્ય પ્રભુત્વ, આતંકવાદી તત્વો સાથેના સંબંધ અને દ્વિચરિત્ર રાજદ્વારીથી પ્રભાવિત રહી છે. પાકિસ્તાન માટે આ મધ્યસ્થી જો તાત્કાલિક લાભ મેળવવા માટેનો પ્રયાસ હશે તો તે આંતર રાષ્ટ્રીય સ્તરે લાંબા ગાળે વિશ્વાસ ઉભો કરી શકશે નહીં પરંતુ જો પાકિસ્તાન આ દિશામાં સતત, પારદર્શક અને જવાબદાર નીતિ અપનાવે તો તે પોતાના માટે નવી ઓળખ ઉભી કરી શકે છે.

ભારત માટે પાકિસ્તાનનું આ બૌદ્ધિક પરિવર્તન એક તક અને પડકાર બંને છે. જો પાકિસ્તાન ખરેખર સ્થિરતા અને સહકાર તરફ આગળ વધે તો દક્ષિણ એશિયામાં શાંતિ અને આર્થિક સહયોગ માટે નવા દ્વાર ખુલ્લા થઈ શકે છે પરંતુ ભારત માટે ‘સ્ટ્રેટેજિક સાવચેતી’ અનિવાર્ય રહેશે કારણ કે ભૂતકાળના અનુભવોએ બતાવ્યું છે કે પાકિસ્તાનની નીતિઓમાં અચાનક ફેરફાર થવાની સંભાવના હંમેશા રહે છે. આ લખતી વખતે એક હિન્દી શેર યાદ આવે, ” એસા કોઈ સગા નહીં જીનકો ઉસને ઠગા નહીં” – પાકિસ્તાન આવું ન કરે તો સારું !

પાકિસ્તાનની વર્તમાન ભૂમિકા દર્શાવે છે કે તે પોતાની જૂની છબીમાંથી બહાર આવીને એક જવાબદાર પ્રાદેશિક શક્તિ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો આ પ્રયત્ન ખરો અને સાતત્યપૂર્ણ રહેશે તો તે માત્ર મધ્ય પૂર્વમાં જ નહીં પરંતુ દક્ષિણ એશિયામાં પણ સ્થિરતા લાવી શકે છે પરંતુ આ પરિવર્તનનું સાચું મૂલ્યાંકન સમય જ કરશે કારણ કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ‘ઇરાદાઓ’ કરતાં ‘ક્રિયાઓ’ વધુ મહત્વ ધરાવે છે.

✍️ ઉત્તમ ત્રાસડીયા ૨૯.૦૩.૨૦૨૬